

પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરના કસુંબીયા પાડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્લોટિંગ યુનિટોને સીલ કરવાની નગરપાલિકાની કાર્યવાહી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. વર્ષના અંતિમ દિવસે પૂરતો પોલીસ બંદોબસ્ત ન મળતા પાલિકાએ સીલિંગ બદલે માત્ર સર્વેની કાર્યવાહી કરી હતી.
ચીફ ઓફિસર હિરલ ઠાકર અને નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 40થી વધુ ગેરકાયદેસર સ્લોટિંગ યુનિટો કાર્યરત હોવાનું પાલિકાએ જણાવ્યું છે. અધિકારીઓ મુજબ આ એકમો જરૂરી મંજૂરી અને નિયમો વિના ચલાવવામાં આવી રહ્યા છે અને મામલો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂ થઈ ચૂક્યો છે.
સીલિંગ કાર્યવાહી દરમિયાન વેપારીઓ, સમાજના આગેવાનો અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. વેપારી આગેવાન કાસમઅલીએ જણાવ્યું કે 22/12/2025ની નોટિસ સામે હાઈકોર્ટમાં સ્ટે માંગવામાં આવ્યો છે અને મામલો હાલ ન્યાયાધીન છે.
વેપારીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા પાસે સ્લોટિંગ યુનિટોને સીલ કરવાની કે લાઈસન્સ આપવાની કાયદેસરની સત્તા નથી. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે અગાઉ તપાસ કરી દંડ વસૂલ્યો હતો, જે ચૂકવવામાં આવ્યો છે. વેપારીઓએ જણાવ્યું કે NOC મળે તો તમામ નિયમોનું પાલન કરવા તૈયાર છે અને આવનાર દિવસોમાં કાયદેસરની લડત લડશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ