
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકના સતત ત્રાસથી કંટાળીને 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવાર મળતાં યુવતીનો જીવ બચી ગયો છે અને તે હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ફરિયાદ મુજબ યુવતી ધોરણ 12માં અભ્યાસ કરતી વખતે એક યુવકના સંપર્કમાં આવી હતી. મિત્રતા ગાઢ થતાં યુવકે લલચાવી-ફોસલાવીને યુવતીને ભગાડી હતી, જે બાદ યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને શોધી લાવી યુવકની ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવતીને સમજાયું હતું કે તે યુવકની ખોટી વાતોમાં ભરમાઈ ગઈ હતી.
યુવક જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું. યુવતીએ કોઈ પ્રતિભાવ ન આપતા તે પીછો કરતો અને મામાના ઘરે ગયાં છતાં પણ ત્રાસ આપતો રહ્યો.
આટલેથી ન અટકતા યુવકે યુવતીના સગા-સંબંધીઓ અને મિત્રોને ફોન તથા મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. સતત માનસિક ત્રાસ વધતા યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવતીએ હોસ્પિટલના બિછાનેથી યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ