
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)સમગ્ર શિક્ષાના આઈ.ઈ.ડી. યુનિટ (પાટણ), બી.આર.સી. પાટણ અને ઉદાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એક દિવસીય વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 1 થી 8 ના આશરે 70 દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રવાસનો હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ સાધવો અને તેમને રાજ્યના ઐતિહાસિક તથા રાજકીય વારસાથી પરિચિત કરાવવાનો હતો.
પ્રવાસ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં તેમણે રાજ્યની રાજકીય કામગીરી વિશે જાણકારી મેળવી. આ સાથે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ. વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે ભોજન લીધા બાદ બાળકોને ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને અક્ષરધામ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા.
વન્યજીવો અને ભવ્ય સ્થાપત્ય જોઈ બાળકોમાં વિશેષ આનંદ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો. આ પ્રવાસને સફળ બનાવવા વેદાંતભાઈ પટેલ, અંકિતભાઈ પરીખ, વિજયભાઈ વ્યાસ, હેમાંગીબેન પટેલ સહિત અનેક દાતાઓએ સહયોગ આપ્યો. સમગ્ર આયોજન જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ અને પાટણ તાલુકાના સ્પેશિયલ શિક્ષકો દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ