


પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું ભવ્ય ‘બંધારણ મહાસંમેલન’ યોજાયું હતું. સદારામબાપાના આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનમાં સામાજિક એકતા માટે ‘એક સમાજ એક રિવાજ’નું સૂત્ર અપનાવવામાં આવ્યું હતું અને નવા સામાજિક બંધારણનું વાચન કરાયું હતું.
સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા બંધારણનું વાચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેના અમલીકરણ માટે શપથ લીધા હતા. સંમેલનમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરી શિસ્તબદ્ધ અને સમરસ સમાજ રચવાના મહત્વના નિર્ણય લેવાયા.
નવા બંધારણ મુજબ સગાઈ પ્રસંગમાં માત્ર 21 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. ભેટમાં માત્ર 1 રૂપિયો, નાળિયેર અને એક જોડી કપડાં આપવાની મંજૂરી રહેશે. લગ્ન માટે વર્ષમાં મહા અને વૈશાખ સુદ 1થી 15 સુધીના બે માસ જ નક્કી કરાયા છે.
લગ્નમાં જાનની સંખ્યા 100 વ્યક્તિ અને 11 વાહનો સુધી મર્યાદિત રહેશે. 10 વર્ષથી ઉપરના બાળકને પણ વ્યક્તિ તરીકે ગણવામાં આવશે. સનરૂફ ગાડીઓ, ડીજે અને લાંબી ગાડીઓની કતાર પર પ્રતિબંધ રહેશે અને માત્ર 2 ઢોલ તથા શરણાઈ વગાડી શકાશે.
લગ્ન લખવાની પ્રથા, ઢૂંઢ, હલ્દી રસમ અને ઓઢમણા જેવી પ્રથાઓ બંધ કરવામાં આવી છે. જમણવારમાં મેનૂ મર્યાદિત રાખી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો નિર્ણય લેવાયો છે.
મામેરામાં દાગીના બદલે 11,000થી 1,51,000 રૂપિયા સુધીનું રોકડ ઓઢામણું નક્કી કરાયું છે. મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી-કઢી રાખવાની મર્યાદા રહેશે. જન્મદિવસની ઉજવણીમાં ખર્ચ કરવાને બદલે તે રકમ શિક્ષણ સંસ્થાઓ કે લાયબ્રેરીમાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે.
મૈત્રી કરાર અથવા ભાગીને કરાયેલા પ્રેમલગ્નને સમાજની માન્યતા નહીં મળે તેમજ તમામ સામાજિક પ્રસંગોમાં નશાકારક પદાર્થો પર પ્રતિબંધ રહેશે. બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓ બનાવાશે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે બનાસકાંઠા, પાટણ, વાવ અને થરાદ જિલ્લાના 27 તાલુકામાં આ બંધારણ 4 જાન્યુઆરીએ દિયોદર તાલુકાના ઓગડ ખાતે યોજાનારા મહાસંમેલનથી અમલમાં મૂકાશે. સમાજ ઓછા ખર્ચે પ્રસંગો ઉજવી બચત શિક્ષણમાં વાપરે, એ જ આ બંધારણનો મુખ્ય હેતુ હોવાનું તેમણે જણાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ