
પાટણ, 31 ડિસેમ્બર (હિ.સ.)નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણના માર્ગદર્શન હેઠળ સરસ્વતી તાલુકા કક્ષાની બાળ વાર્તા નિર્માણ સ્પર્ધાનું આયોજન બી.આર.સી. ભવન, સરસ્વતી ખાતે કરવામાં આવ્યું. પ્રારંભિક, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એમ ત્રણ વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં સી.આર.સી. કક્ષાના વિજેતા કુલ 36 બાળકોએ ભાગ લીધો હતો.
ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતની વિદ્યાર્થીની ઠાકોર અંકિતાબેન માવજીજીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું. બી.આર.સી. કોઓર્ડિનેટર રાતાજી ઠાકોર દ્વારા તમામ બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે શાળામાં નિયમિત શૈક્ષણિક પ્રવૃત્તિઓના પરિણામે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને અંકિતાબેનને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવશે. શાળાના આચાર્ય શૈલેષભાઈ સુથાર, સ્ટાફ પરિવાર તેમજ માર્ગદર્શક શિક્ષકો રાજેશભાઈ પરમાર અને ચિત્ર શિક્ષક માસુમપુરી ગોસ્વામી દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ