આપ નેતા શ્રવણ જોશી અને સાગરીત વિરુદ્ધ 36 કલાકમાં બીજી એફઆઈઆર, શહેરમાં ચર્ચાનો માહોલ
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા અને યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સસ્તા અનાજના વેપારીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવવાના આર
‘આપ’ યુવા મહામંત્રી શ્રવણ જોષી ધરપકડ


સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.)-સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા અને યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સસ્તા અનાજના વેપારીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવવાના આરોપમાં શ્રવણ જોશી તથા તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ સુરતના ગોડાદરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા 36 કલાકમાં આ બીજી FIR છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.

શું છે સમગ્ર મામલો?

ગોડાદરા વિસ્તારની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ચલાવતા કમલેશભાઈ મદનલાલ ખટીકએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે આશરે 9 વાગ્યે શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી તેમની દુકાને આવ્યા હતા.

શ્રવણ જોશીએ પોતાની ઓળખ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે આપી વેપારી પર કાળાબજારના ખોટા આરોપો લગાવ્યા હતા. તેણે દુકાનદારને ધમકાવતાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને ઓછું અનાજ આપીને લાખો રૂપિયા કમાવો છો, હું તમારું લાયસન્સ રદ કરાવી દઈશ અને દુકાન બંધ કરાવી દઈશ.

દર મહિને એક લાખની માગ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, શ્રવણ જોશીએ અગાઉ અન્ય વેપારીનો વીડિયો વાયરલ કર્યાનું કહી ધમકી આપી હતી કે, જો દુકાન શાંતિથી ચલાવવી હોય તો દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે.

ફરિયાદીનો આક્ષેપ છે કે, શ્રવણ જોશી વેપારીઓને હેરાન કરવા માટે ગ્રાહકોને ઉશ્કેરીને દુકાને ઝઘડા કરાવતો હતો અને સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરી દુકાન બંધ કરાવવાની ધમકી આપતો હતો. સતત દબાણ અને ભયને કારણે વેપારીએ અંતે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. બાદમાં સાગરીત સંપત ચૌધરી સાથે વાતચીત બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. 36 કલાકમાં બીજી FIR નોંધાતાં સુરતના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande