
વડોદરા, 31 ડિસેમ્બર (હિ.સ.)-પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર 1 જાન્યુઆરી 2026થી ટ્રેનોનો નવું ટાઈમ ટેબલ અમલમાં આવશે. સમયપાલન વધુ સારું બનાવવા માટે વિવિધ સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવી સમયસૂચી મુજબ 77 ટ્રેનો પ્રીપોન્ડ કરવામાં આવી છે, જેમાં ટ્રેનો હાલના સમય કરતાં 1 થી 15 મિનિટ વહેલી આવશે. જ્યારે 23 ટ્રેનો પોસ્ટપોન્ડ કરવામાં આવી છે, જેમાં ટ્રેનો 2 થી 40 મિનિટ મોડે પહોંચશે.
વડોદરા મંડળના નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, ગોધરા, છાયાપુરી, એકતા નગર સહિતના સ્ટેશનો પર આ ફેરફાર લાગુ પડશે.
69172 ભરૂચ–સુરત MEMU, 22930 વડોદરા–દહાણુ રોડ સુપરફાસ્ટ, 69112 વડોદરા–સુરત MEMU, 69122 ગોધરા–વડોદરા MEMU અને 69104 આણંદ–વડોદરા MEMU ટ્રેનોને 5 મિનિટ વહેલી કરવામાં આવી છે.
મુસાફરોની માંગને ધ્યાને રાખીને અલીરાજપુર–પ્રતાપનગર MEMU ટ્રેનને 15 મિનિટ મોડે કરવામાં આવી છે. હવે આ ટ્રેન અલીરાજપુર સ્ટેશન પરથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે.
વડોદરા સ્ટેશન પર 23 ટ્રેનો વહેલી અને 7 ટ્રેનો મોડે ચાલશે. એકતા નગર સ્ટેશન પર 2 ટ્રેનો પ્રીપોન્ડ અને 2 ટ્રેનો પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આણંદ સ્ટેશન પર 18 ટ્રેનો વહેલી અને 4 ટ્રેનો મોડે રહેશે. નડિયાદ સ્ટેશન પર 14 ટ્રેનો વહેલી અને 2 ટ્રેનો મોડે ચાલશે. ભરૂચ સ્ટેશન પર 15 ટ્રેનો વહેલી કરવામાં આવી છે.
રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે મુસાફરી પહેલા નવી સમયસૂચી અંગે માહિતી માટે રેલવે પૂછપરછ 139 અથવા Indian Railwaysની વેબસાઇટ www.wr.indianrailways.gov.in પર વિગતો ચકાસી લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે