

ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉધોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર , સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી, રોગાન ચિત્રકળા, અકીક કારીગરી જેવી ગુજરાતની વિશેષ કલાને પણ રજૂ કરાઇ છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, કમિશનર, કુટિર અને ગ્રામોદ્યૉગ અને અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, માહિતી નિયામક કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામ કચેરીના ઈન્ચાર્જ નિયામક પ્રેમસિંઘ કંવર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ