
ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ 'નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર' નું આયોજન કરવામાં આવ્યું છે.
પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ ભવ્ય અભિયાન હાથ ધરાયું છે.જેમાં ઘરે બેઠા લાખો લોકો જોડાશે.
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે YouTube Liveના માધ્યમથી પ્રસારિત થશે. રાજ્યના ખૂણેખૂણેથી લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ ૧લી જાન્યુઆરીએ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાકે પોતાના મોબાઈલ દ્વારા લાઈવ સત્રમાં જોડાઈ શકશે. દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણે, અગાશી પર કે નજીકના બગીચામાં રહીને સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા નવા વર્ષનું સ્વાગત કરશે.
પાર્ટીથી યોગ તરફનો સંદેશ: આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી (GenZ) ને એ સંદેશ આપવાનો છે કે, ૧લી જાન્યુઆરી એ માત્ર વેસ્ટર્ન કલ્ચરની જેમ નવા કેલેંડર વર્ષ ઉજવવાનો દિવસ નથી, પરંતુ આપણા શરીર અને મનને ઊર્જાવાન બનાવવાનો અવસર છે. નૂતન વર્ષની સૂર્યનારાયણની નુતન કિરણને નમસ્કાર કરવાનો અવસર છે. 'વેસ્ટર્ન કલ્ચરથી યોગ તરફ' અને 'વિદેશીથી સ્વદેશી તરફ' ના મંત્ર સાથે આ કાર્યક્રમ ગુજરાતના યુવાધનને નવી દિશા આપશે.
ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહન:
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. લાઈવ સમ દરમિયાન આપવામાં આવેલી લિંક દ્વારા જોડાનાર તમામ સહભાગીઓ પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે.
સહયોગ અને જનભાગીદારી:
આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, શિક્ષણ સંસ્થાઓ, રમતગમત એકેડમી અને સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ૩૧મી ડિસેમ્બરની મોડી રાત સુધીની પાર્ટીઓની બદલે, ૧લી જાન્યુઆરીના પ્રથમ સૂર્યોદયને યોગ અને સૂર્ય નમસ્કાર સાથે વધાવે.
કઈ રીતે જોડાવું
નાગરિકોએ 1લી જાન્યુઆરીએ સવારે 7:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર લાઈવ જોડાઈ જવાનું રહેશે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે https://suryanamaskar.gsyb.in ની મુલાકાત લો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ