
ગાંધીનગર, 31 ડિસેમ્બર (હિ.સ.) : નાગરિકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવા માટે ટેક્નોલોજીમાં રહેલી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ, 2003ના રોજ SWAGAT (સ્વાગત - સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ પણ સશક્ત હતો કે, નાગરિકો ભય, વિલંબ અને પ્રક્રિયાગત અવરોધો વિના, સરકારના ઉચ્ચતમ સ્તરો સમક્ષ તેમની ફરિયાદો સીધી જ રજૂ કરી શકે. SWAGAT ઓનલાઇન કાર્યક્રમનો વ્યાપ જિલ્લા, તાલુકા અને ગ્રામ સુધી વિસ્તર્યો છે. વડાપ્રધાનએ શરૂ કરેલી આ પહેલને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરકારક રીતે સંચાલિત કરી રહ્યા છે. વર્ષ 2003થી લઇને આજે 22 વર્ષોથી સ્વાગત પ્લેટફોર્મ ગુજરાતના નાગરિકોનો રાજ્ય સરકારમાં વિશ્વાસ મજબૂત કરી રહ્યું છે. તેની પુષ્ટિ એ વાત પરથી થાય છે કે છેલ્લા 22 વર્ષોમાં આ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થયેલી 99.10% અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ SWAGATને એક સક્રિય અને લોક-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં SWAGAT પ્લેટફોર્મનો સમય અને ટેક્નોલોજી સાથે વિકાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓ અને તમામ વિભાગોમાં SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે, અને સાથે જ સ્વાગત ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ 25 ડિસેમ્બર, 2023ના રોજ ‘સુશાસન દિવસ’ નિમિત્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસૂલ અને પંચાયત વિભાગ તથા પાટણ અને ખેડા જિલ્લા માટે લાગુ કરવામાં આવી હતી. પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યા બાદ કુલ 21,540 અરજીઓમાંથી 90% અરજીઓનો સમયમર્યાદામાં ગુણાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, પાયલટ પ્રોજેક્ટ સફળ રહેતા આગામી સુશાસન દિવસે એટલે કે 25 ડિસેમ્બર, 2024ના SWAGAT 2.0 તમામ જિલ્લાઓમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
કેવી રીતે કામ કરે છે ઓટો એક્સેલેશન મેટ્રિક્સ પદ્ધતિ?
આધુનિક SWAGAT સિસ્ટમ એક ઓટોમેટિક એસ્કેલેશન ફ્રેમવર્કની આસપાસ રચવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે ફરિયાદો કોઈપણ સ્તરે અટકી ન જાય. SWAGAT 2.0માં નાગરિકોની સમસ્યાઓનું નિશ્ચિત સમયગાળામાં ગુણાત્મક નિરાકરણ લાવવા માટે નિકાલની સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે. અરજદારની રજૂઆત જે અધિકારીની ફરિયાદ નિવારણની સીધી જવાબદારી હોય તેમને ઓનલાઇન માધ્યમથી મોકલવામાં આવે છે. અરજદારની રજૂઆત પરત્વે સંબંધિત અધિકારીએ નિયત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવાની રહે છે. અરજદારોને પણ નોંધણીથી લઈને અંતિમ નિરાકરણ સુધીના દરેક તબક્કે તેમની ફરિયાદોની સ્થિતિ વિશે SMS દ્વારા માહિતગાર રાખવામાં આવે છે.
જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં નિરાકરણ ન લાવવામાં આવે તો તે ફરિયાદ સમયમર્યાદા પૂર્ણ થતા ઓટોમેટીક રીતે તેના એક લેવલ ઉપરના અધિકારીના લોગિનમાં ઓટો એસ્કેલેટ થાય છે. ત્યારબાદ ઉપરના અધિકારી દ્વારા ફરિયાદનો નિકાલ કરવાનો રહે છે. ઉપરી અધિકારી દ્વારા ફરિયાદનો નિકાલ કરવો ફરજિયાત છે. રજૂઆતનું સંતોષજનક અને યોગ્ય રીતે નિરાકરણ થયેલ છે તે અંગે વેરિફિકેશન થયા બાદ જ રજૂઆતનો આખરી નિકાલ થયેલો ગણવામાં આવે છે. વધુમાં, પોતાની ફરિયાદ માટે થયેલ કાર્યવાહીથી અરજદાર સંતુષ્ટ ન હોય તો, તેઓ ફીડબેક આપીને પોતાની ફરિયાદને એક લેવલના ઉપરી અધિકારીને એસ્કેલેટ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા પણ આ અરજીઓનું સઘન મોનિટરિંગ કરવામાં આવે છે.
ફરિયાદોના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ
પોર્ટલમાં મળતી અરજીઓનું સમયસર નિરાકરણ આવે તેવા ઉમદા ઉદ્દેશ્યથી વિવિધ મોનિટરીંગ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં, અધિકારીઓનું પર્ફોર્મન્સ ચકાસવા માટે પર્ફોમન્સ ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે કયા જિલ્લામાં કયા પ્રકારની રજૂઆતો વધુ પ્રમાણમાં આવે છે, તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મળતી રજૂઆતોના આધારે કયા પ્રકારના નીતિવિષયક બદલાવ કરવાની જરૂર છે તેની માહિતી મળે છે. ઉલ્લેખનીય છે કે, સ્વાગત કાર્યક્રમ મારફતે ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ખેડૂતલક્ષી, જમીન સંપાદન, વિદ્યાર્થીલક્ષી, ગૌચર દબાણ, રી-સર્વેને લગતા, પોલીસને લગતા મહત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે.
સ્વાગત કાર્યક્રમના માધ્યમથી મોડદર ગામના 118 ખેડૂતોની હાલાકીનો અંત આવ્યો
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર ગામમાં સ્વાગત કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનો નિકાલ થયો હતો. મોડદર ગામથી પસવારી વચ્ચે સુખભાદર નદી પર બ્રિજ ન હોવાના કારણે ખેડૂતોને છેલ્લા 40 વર્ષથી પોતાના ખેતરમાં પહોંચવા 15 કિ.મી. ફરવું પડતું હતું. આ અંગે અરજદારશ્રી લખમણભાઇ નવઘણભાઇ મોડેદરાએ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેમનો પ્રશ્ન રાજ્ય સ્વાગત સુધી પહોંચયો હતો. અરજદારશ્રીએ બ્રિજ ન હોવાના કારણે 118 ખેડૂતોને 3600 વીઘા જમીનની ખેતીની માટેની રોજિંદી કામગીરીમાં પડતી તકલીફો બાબતે રજૂઆત કરી હતી. તેમની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ બ્રિજ તથા રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સચિવશ્રી, માર્ગ અને મકાન વિભાગ તથા કલેક્ટરશ્રી, પોરબંદરને સૂચના આપી, જેના પરિણામે મોડદર-પસવારી વચ્ચે ₹9 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને ત્રણ કિમી રસ્તા બનાવવામાં આવશે.
છેલ્લા 2 વર્ષમાં વિવિધ પ્રતિનિધિમંડળોએ લીધી સ્વાગત યુનિટની મુલાકાત
સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ વિશે સમજણ મેળવવા માટે ભારત સરકારના સચિવશ્રી તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ વગેરે જેવા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયોના પ્રતિનિધિમંડળો દ્વારા સ્વાગત યુનિટની મુલાકાત લેવામાં આવી છે. તેઓએ આ પ્રકારની સુવિધા તેઓના રાજ્યમાં લાગુ કરવા માટે સમજણ મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ