
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લાનાં કોસંબા બ્રિજ નજીક અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31 ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની કરૂણ ઘટના બની. અજાણ્યા વાહને બાઈક પર જઈ રહેલા બે યુવકોને પાછળથી જોરદાર ટક્કર મારતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે હાઈવે પરથી પસાર થતી બાઈકને કોસંબા બ્રિજ પર પાછળથી પૂરી ઝડપે આવેલા અજાણ્યા વાહને ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકો હવામાં ઉછળી રોડ પર પટકાયા. માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેએ સ્થળ પર જ દમ તોડ્યો. અકસ્માત સર્જીને વાહનચાલકે માનવતા નેવે મૂકી, લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોને મદદ કરવાને બદલે અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળાં ઉમટી પડ્યા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે