
સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.)-રાજ્ય સરકાર દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને પ્રોત્સાહન આપતો ‘હાથ સાળ અને હસ્તકલા મેળો
સુરતના અડાજણના વિસ્તારમાં સ્થાનિક હસ્તકલા, ખાદી અને સ્વદેશી ઉત્પાદનોને જનસમક્ષ રજૂ કરતું
મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે. જયોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં આયોજીત મેળામાં
અનેક ઉદ્યોગસાહસિકો પોતાની પ્રતિભા અને વ્યવસાય રજૂ કરી રહ્યા છે, ત્યારે અડાજણ
વિસ્તારના મહિલા ઉદ્યોગકાર શિખા અર્હતીએ પોતાનો લઘુ ઉદ્યોગ શરૂ કરી અન્ય લોકોને
રોજગારી આપી આત્મનિર્ભર બન્યા.
મૂળ વારાણસીના વતની ૩૫ વર્ષીય શિખા અર્હતી લગ્ન બાદ સુરત અડાજણમાં સ્થાયી
થયા. એમબીએ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી દસ વર્ષ સુધી એચઆર તરીકે ખાનગી કંપનીમાં નોકરી
કર્યા બાદ તેમણે સ્વરોજગારનો માર્ગ પસંદ કર્યો. ચાર વર્ષ અગાઉ ખાદી કાપડના
વ્યવસાયમાં પ્રવેશ કરીને તેમણે આત્મનિર્ભર બનવાની દિશામાં આગેકુચ કરી. શરૂઆતમાં
નિશ્ચિત આવકનો અભાવ હોવા છતાં, પરિવારના સંપૂર્ણ સહયોગ અને પોતાની અવિરત મહેનતથી આજે તેઓ
સફળતાના નવા શિખરો સ્પર્શી રહ્યા છે.
તેમણે પોતાની સફળગાથા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મારી સફળતા
પાછળનું મુખ્ય કારણ મારો શિક્ષિત અભિગમ અને મારું મક્કમ મનોબળ છે. હું દ્રઢપણે
માનું છું કે, 'એક
શિક્ષિત મન અને અતૂટ આત્મબળ એ સ્ત્રીના એવા બે શસ્ત્રો છે, જે હંમેશા મદદરૂપ બને છે. જ્યારે તમારી પાસે જ્ઞાનનું તેજ હોય અને મનમાં
કંઈક કરી છૂટવાની મક્કમતા હોય, ત્યારે દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમને તમારા લક્ષ્ય સુધી
પહોંચતા રોકી શકતી નથી.
તેમણે જણાવ્યું કે, ધીમે ધીમે અમારો લધુ ઉદ્યોગ આગળ વધી રહ્યો છે તેમણે પોતાનો
બિઝનેશ વધતા અડાજણ સ્થિત એલ.પી. સાવાણી રોડ નજીક પોતાનો વર્કશોપ સ્થાપિત કર્યો છે, જ્યાં તેઓ 20 જેટલા લોકોને રોજગારી આપી રહ્યાં છે, અહીં બે વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટેના ખાદી ડ્રેસ સહિત
વિવિધ ખાદીની બનાવટના વસ્ત્રો ઉપલબ્ધ છે, જેની કિંમતો રૂ.700 થી શરૂ થાય છે.
વધુમાં તેમણે કહ્યું કે, ખાદી કપડાં લાંબા સમય સુધી ચાલે છે અને વારંવાર ઉપયોગ બાદ
પણ તેની મજબૂતી અને રંગ યથાવત રહે છે. તેમના ઉત્પાદનમાં ખાસ કરીને સિલ્ક થ્રેડનો
ઉપયોગ કરવામાં આવે છે, જે ખાદી વસ્ત્રોને અનોખું વૈભવ આપે છે. વાર્ષિક અંદાજિત રૂ.12 લાખનું
ટર્નઓવર ધરાવતો આ વ્યવસાય આજે સ્થાનિક બજારમાં પોતાની અલગ ઓળખ બનાવી રહ્યો છે.
આગામી સમયમાં તેઓ પુરુષો માટે ખાદી કુર્તા અને શર્ટનું ઉત્પાદન શરૂ કરવાની યોજના
ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત આવા મેળાઓથકી પોતાના ઉત્પાદનોને વ્યાપક બજાર
સુધી પહોંચાડવાની તક મળી હોવાનું તેઓ કહે છે.
શિખા અર્હતીની યાત્રાએ સાબિત કરે છે કે “જેની પાસે જ્ઞાનની પાંખો અને સંકલ્પનું આકાશ છે, એ નારી
ક્યારેય પરાજિત થતી નથી.” અડાજણમાં આયોજિત રાજ્ય સરકારનો આ મેળો સ્થાનિક હસ્તકલા, ખાદી અને
સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ અસરકારક રીતે
જનમાનસ સુધી પહોંચી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે