- કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ
- સોમનાથ થી દ્વારકા તરફ જતી બસના 12 યાત્રાળુ ઘાયલ
પોરબંદર/અમદાવાદ,25 ફેબ્રુઆરી (હિ.સ.) સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઈવે પર કુછડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કર્ણાટકથી આવેલી યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 12 યાત્રાળુઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ