- 10 ખેડૂતોને કુલ 14.56 લાખની સહાય અપાઈ
- 2 લાખથી વધુ ધરતીપુત્રોને સહાય અર્થે 40.59 કરોડ જમા કરાયા
રાજકોટ/અમદાવાદ,25 ફેબ્રુઆરી (હિ.સ.) ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 19 મો હપ્તો જમા કરવા માટે કિસાન સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં તરઘડિયામાં ત્રિમંદિર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ
પ્રધાનમંત્રી પદનો કાર્યભાર સાંભળ્યા બાદ આપેલા દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે વિધાનને સાર્થક કરવા કૃષિના વ્યાપલક્ષી નીતિગત પ્રયાસો હાથ ધરીને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. જેના પગલે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. ત્યારે સરકારી તિજોરીમાંથી દર વર્ષે ધરતીપુત્રોના બેંક ખાતામાં વચેટિયા વિના સીધા 6000ની સહાય જમા થાય છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
સાંસદએ ઉમેર્યું હતું કે, કૃષિ પાકોમાં છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો વપરાશ વધારવા ડ્રોન દીદી યોજના દાખલ કરવામાં આવી છે, જેમાં મહિલા સશક્તિકરણનો મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાતના એક ખેડૂતના દીકરાના નેનો ટેક્નોલોજીના પ્રયોગને બિરદાવીને વડાપ્રધાનના સૂચનથી વિશ્વની સૌથી મોટી ઇકો કંપની દ્વારા નેનો યુરિયા અને નેનો ડી.એ.પી ખાતરનું સંશોધન કરવામાં આવે છે, જેના સરાહનીય પરિણામો પણ મળ્યા છે.આમ, ખેતીને લાભપ્રદ વ્યવસાય બનાવવાના સઘન પ્રયાસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફળ થયા છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનો વિકાસ કરવા અને કૃષિ પ્રવૃતિને વેગ આપવા ડિજિટલ મોનિટરીંગ માટે કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કૃષિ પ્રગતિની પહેલ ડીજીટલ કૃષિ સિસ્ટમના હૃદય સમાન કામ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તાલીમ, પ્રવાસ, શિબિર, પરિસંવાદ, પ્રદર્શન-વેચાણનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશ્વભરમાં કૃષિ ક્ષેત્રે ભારત અગ્રેસર રાષ્ટ્ર હોવાનો જશ ખેડૂતોની હથેળીમાં છે, તેમ સાંસદ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં વિવિધ તાલુકામાંથી આવેલા 10 લાભાર્થી ખેડૂતોને કમ્બાઇન હાર્વેસ્ટર, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), ટ્રેક્ટર સહાય અને પંપસેટ માટે કુલ 14,56,732 રકમના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના 202968 લાભાર્થીઓના સહાય હપ્તા અર્થે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ 40 કરોડ 59 લાખ રિલીઝ થયા હતા. આ કાર્યક્રમમાં ખેત, બાગાયત અને પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે 10 સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મહાનુભાવોનું તુલસીના છોડથી અભિવાદન કરાયું હતું.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાના વડા ડો. જી. વી. મારવિયાએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું.માલીયાસણની તાલુકા શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ