ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લામાં સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ અંગે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં કુલ 249 સામુહિક કમ્પોસ્ટ પીટના લક્ષ્યાંક સામે 231 સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ પુર્ણ કરવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં રૂ. 84.29 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ અંગે મંત્રી એ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સામુહિક કમ્પોસ્ટ પીટના બાંધકામ થકી ઘન કચરાના સલામત નિકાલની કામગીરી કરવામાં આવે છે. તેમજ પ્રવાહી કચરાના સલામત નિકાલનું વ્યવસ્થાપન પણ કરવામાં આવે છે.
મંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, ધાર્મિક સ્થળો ઉપરાંત વધુ અવર જવર હોય તેવા વિસ્તારોને જાળવણી અને નિભાવણીની શરતે સામુહિક શૌચાલયની સુવિધા પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે. આ યોજનાની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને તેનો મહત્તમ લાભ લઈ શકે તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવે છે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ