
નવસારી, 27 મે (હિ.સ.)-પશ્ચિમ રેલવે દ્વારા નવસારી સ્ટેશન પર મેગા બ્લોકના ત્રીજા દિવસે પણ જૂના ફૂટ ઓવરબ્રિજ (FOB) તોડવાની કામગીરી જારી છે. આ કામગીરીના કારણે મુંબઈથી અમદાવાદ જતી તેમજ પાછી ફરતી ઘણી ટ્રેનો તેમની નિર્ધારિત સમયસીમાથી લગભગ બે કલાક મોડી પહોંચી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે વિભાગે સુરક્ષા અંગે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે અને FOB તોડકામ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે રેલવે પોલીસ અને સ્થાનિક સુરક્ષા સ્ટાફને સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યો છે.
બહુધા મુસાફરો સ્ટેશન પર સમયસર પહોંચી ગયા હોવા છતાં ટ્રેન લેટ થવાના કારણે રાહ જોવી પડી હતી. રેલવે વિભાગ તરફથી ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ રવાના થવા પહેલાં તેમની ટ્રેનના અપડેટેડ સમયની પુષ્ટિ કરી લે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે