સુરત જિલ્લામાં 29 મેથી 12 જૂન દરમિયાન, ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નું આયોજન
સુરત, 28 મે (હિ.સ.)-કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ 29 મેથી 12 જૂન દરમિયાન સમગ્ર ભારતમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ યોજાશે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને ખરીફ પાકો, પાકની પદ્ધતિઓ અને કૃષિ સંબંધિત માહિતી આપીને તેમના જ્ઞાન અને આવકમા
સુરત જિલ્લામાં 29 મેથી 12 જૂન દરમિયાન, ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નું આયોજન


સુરત, 28 મે (હિ.સ.)-કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ 29 મેથી 12 જૂન દરમિયાન સમગ્ર ભારતમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ યોજાશે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને ખરીફ પાકો, પાકની પદ્ધતિઓ અને કૃષિ સંબંધિત માહિતી આપીને તેમના જ્ઞાન અને આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઝુંબેશ દેશના 723 જિલ્લાઓમાં 65,000થી વધુ ગામડાઓ સુધી વિસ્તરશે, જેમાં આશરે 2170 કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો કાર્યરત રહેશે. દરેક ટીમમાં ઓછામાં ઓછા ચાર કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટી અને કોલેજોના કર્મચારીઓ, રાજ્ય અને કેન્દ્રના કૃષિ વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટ, FPO પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતોનો સમાવેશ રહેશે.

આ ટીમો જે ગામોમાં જશે ત્યાંની ખેતી માટે અનુકૂળ આબોહવા, જમીનના પોષક તત્વો, પાણીની ઉપલબ્ધિ, વરસાદનો ઐતિહાસિક ડેટા, પિયતની સ્થિતિ વગેરેના આધારે પાક પસંદગી અને ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી આપશે. તેમજ બીજ, ખાતર, જીવાત-રોગ નિયંત્રણ, સોઇલ હેલ્થ કાર્ડ વગેરે મુદ્દે ખેડૂતોને માર્ગદર્શન અપાશે.

સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં જુદા-જુદા ગામડાઓમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે. 29 મેના રોજ ચોર્યાસી તાલુકાના દામકા ગામથી અભિયાનની શરૂઆત થશે. સવારે 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન દામકા પ્રાથમિક શાળામાં યોજાનાર કાર્યક્રમમાં દામકા, જુનાગામ, મોરા, સુવાલી, રાજગરી, ભટલાઈ, હજીરા, ભાટપોર, કવાસ અને વાંસવા ગામના ખેડૂતોને કૃષિ માર્ગદર્શન આપવામાં આવશે.

અભિયાનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – સુરત, ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ગ્રીડ પ્રમાણે ગામડાઓમાં જઈને ખેતી, પશુપાલન અને કૃષિ યોજનાઓ અંગે ફલતુ માહિતી આપશે.

આજના વાતાવરણ અને આવનારા ચોમાસા માટે ખેડૂતો સજ્જ રહી શકે એ હેતુથી વિસ્તૃત માર્ગદર્શન આપવાનું અભિયાન છે. આ અભિયાનમાં જોડાવા માટે ખેડૂતોએ આગળ આવી સહભાગી થવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – સુરત તરફથી અનુરોધ કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande