
જુનાગઢ 28 મે (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર અસરકારક દેખરેખ રાખી શકાય તે માટે બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
કલેકટરએ ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ઉમેદવારના શંકાસ્પદ ટ્રાન્જેક્શન માટે મોનિટરિંગ કરવા અને રૂ.૧૦ દસ લાખથી વધુના ટ્રાન્જેક્શન થયે રિપોર્ટ કરવા માટે સૂચના આપી હતી.
બેંકમાંથી રોકડ રકમ લઈ જવા માટે એક ક્યુઆરકોડ પણ જનરેટ કરવાનો રહેશે. જેથી રસ્તામાં ચેકિંગ દરમિયાન આ રોકડ રકમ અધિકૃત છે. તેવું પ્રસ્થાપિત થઈ શકે અને અનઅધિકૃત રોકડ હેરફેરને અટકાવી શકાય.
ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટેનું એક અલગથી બેન્ક એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે, જેથી આ ઉમેદવારોને બેન્ક એકાઉન્ટ ખોલવાની જરૂરી પ્રક્રિયા સરળતાપૂર્વક થઈ શકે તે માટે એક અલગ વીન્ડો સીસ્ટમ શરૂ કરવા માટે પણ કલેકટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં ઉમેદવારના ચૂંટણી ખર્ચ બાબતે અસરકારક નિયંત્રણ રાખી શકાય તે માટે પ્રવર્તમાન ગાઈડ લાઈનથી પણ બેંક અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સખી મંડળ, એનજીઓના બેંક એકાઉન્ટમાં પણ જો શંકાસ્પદ ટ્રાન્જેક્શન થાય તો જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર પી.એ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે. જાડેજા, નાયબ માહિતી નિયામક એસ. જે. બળેવીયા, લીડ બેંકના મેનેજર શ્રી રાઠવા,જૂનાગઢ ડિવિઝનના પોસ્ટ સુપ્રીન્ટેન્ડેન્ટ ,ઈન્કમટેક્ષ વિભાગમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ