ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વધારાતો વ્યાપ, હવે પ્રિસાઇડિંગ ઓફિસર મતદાનના આંકડા ફોનથી નહીં પણ એપથી અપલોડ કરશે
દર બે કલાકના મતદાનના આંકડા રીયલ ટાઈમમાં મળશે : ડેટા કંપાઈલ કરવામાં સરળતા રહેશે
ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વધારાતો વ્યાપ, હવે પ્રિસાઇડિંગ ઓફિસર મતદાનના આંકડા ફોનથી નહીં પણ એપથી અપલોડ કરશે


જૂનાગઢ 10 જૂન (હિ.સ.) ૮૭ - વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર હવે દર બે કલાકના મતદાનના આંકડા ફોનથી નહીં પણ એપ્લિકેશનના માધ્યમથી અપલોડ કરશે.

ભારતના ચૂંટણી પંચની નવી પહેલની રાજ્યની વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં શરૂઆત થવા જઈ રહી છે, ECIએ ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપ વધારતા ECINET એપ્લિકેશન લોન્ચ કરી છે.

આ એપ્લિકેશન પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ એપ્લિકેશનની અંદર ખાસ કરીને જે તે બુથના કેટલા વોટર છે, તેમાં સ્ત્રી, પુરુષ તથા અન્ય માહિતી એપ્લિકેશનમાં જ ઉપલબ્ધ હશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ઈસીઆઈની આ પહેલને આવકારદાયક ગણાવી હતી, તેમણે ખાસ પ્રિસાઇડિંગ ઓફિસરને આ ECINET એપ્લિકેશનની સઘન તાલીમ મળી રહે તે માટે વિશેષ ભાર પણ આપ્યો હતો.

આ એપ્લિકેશનના માધ્યમથી ચૂંટણી દરમિયાન મતદાનના દર બે કલાકના આંકડા પણ રીયલ ટાઈમમાં ચૂંટણી પંચને મળી રહેશે. ચૂંટણી સમય પૂર્ણ થયા બાદ તરત જ આ એપ્લિકેશનમાં થયેલ મતદાનના આંકડા અપલોડ કરવાના હોય જે તુરંત જ ચૂંટણીપંચને મળી રહેશે. જેથી ચૂંટણી પંચને ડેટા કંપાઈલ કરવામાં ખુબ જ સરળતા રહેશે અને સમયસર થયેલ મતદાનની ટકાવારી સચોટ રીતે સમયસર જાહેર કરી શકશે

ઉપરાંત મતદાનના દિવસે ખાસ મોકપોલ ચાલુ કરવા, મોકપોલ દરમિયાન લેવાની કાળજીઓ, મોકપોલ દરમિયાન હાજર મતદાન એજન્ટો વગેરે જાણકારી તાત્કાલિક સમયસર ચૂંટણી પંચને મળી રહેશે.

ચાલુ મતદાન સમય દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ ખૂબ જ કામમાં વ્યસ્ત હોય છે તેથી આ એપ્લિકેશનથી પેપર વર્ક ઓછું થશે અને સમયની બચત થશે. ચૂંટણી પ્રક્રિયામાં ટેકનોલોજીના સમાવેશથી ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી કાર્ય વધુ સરળતાથી, પારદર્શિતાથી, ઓછા સમયમાં અને કાર્યક્ષમ રીતે થઈ શકશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ નવી એપની પ્રિસાઇડિંગ ઓફિસરને સઘન તાલીમ આપવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે જેમને ફરજ મળી છે તેવા ભરત મેસિયા જણાવે છે કે, ECINET એપ્લિકેશન શું છે, કઈ રીતે કાર્ય કરે છે, તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માહિતી સબમિટ કરવી, તે બાબત વિશદ સમજ આપવામાં આવી. સાથો સાથ તમામ તાલીમાર્થીઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી તેમજ દરેક સ્ટેપમાં માહિતી કઈ રીતે સબમિટ કરવી તેનું તાલીમ દરમિયાન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. આમ, આ એપ્લિકેશનની દરેક બાબતમાં કોઈ ટેક્નિકલ કે, અન્ય પ્રશ્નો હોય તો તેનું ત્યાં સ્થળ પર સમાધાન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande