
સુરત, 10 જૂન (હિ.સ.)-પ્રેમલગ્ન કર્યા બાદ એક યુવતીને સતત ત્રાસ મળતા તેના જીવનનો અંત લાવી દેવાની ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય સાક્ષી રાવજી રોકળેએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમગ્ર વિસ્તારમાં શોકભર્યા વાતાવરણ પેદા કરનાર બની છે.
સાક્ષીએ 7 મહિના પહેલાં મનોજ ખોરશે નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. જોકે લગ્ન પછી તે તેના પતિ અને સાસરીયાઓ તરફથી માનસિક અને સામાજિક ત્રાસ ભોગવી રહી હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે. સાક્ષી એસસી સમુદાયની હોવાથી તેના પર થતા ત્રાસની પ્રવૃત્તિ જાતિ આધારિત હોય તેવી પણ શક્યતા પોલીસ તપાસમાં સામે આવી છે.
મૃતકના પિતા અને પરિવારજનોના નિવેદનના આધારે ખટોદરા પોલીસે પતિ મનોજ તથા સાસરીયા પક્ષ સામે SC/ST અટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાના માટે ઉશ્કેરણી અને ઘરેલુ હિંસાની લાગતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ હવે યુવતીનો મોબાઇલ ફોન, કોલ રેકોર્ડ, ચેટ્સ તથા ઓડિયો ક્લિપ્સના આધારે આ ઘટનાનું સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે