સુરત, 11 જૂન (હિ.સ.)- ગોગા ચોક સર્કલ નજીક વાહન ચાલનના સામાન્ય વિવાદે ભયાનક મોડ લઈ લીધો. ટ્રિપલ સવારીમાં જતા યુવાન અને તેના મિત્ર પર કેટલાક યુવકો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક એન્જિનિયર યુવકની જમણી આંખ પર ગંભીર ઇજા થવાથી તેની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત યુવકના બાઈકની આસપાસ પસાર થતા અન્ય યુવકોની ગાડી થોડી અડફેટ ખાધી હતી. આ મામૂલી ઘટનાને કારણે ઉશ્કેરાયેલા શખ્સોએ રસ્તા પર જ બાઈક અટકાવીને પીડિત યુવક સાથે ઉગ્ર વાદવિવાદ શરૂ કર્યો હતો. વાત વાદ વિવાદથી આગળ વધી અને એક શખ્સે યુવકની આંખ પર સીધો ઘાતક હુમલો કર્યો.
હિંસક હુમલામાં યુવકની આંખના સ્કલેરા અને કોર્નિયામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. આંખના ઓપરેશનમાં 20 ટાંકા લેવા પડ્યા હતા અને તબીબોના જણાવ્યા મુજબ દ્રષ્ટિ કાયમી રીતે જતી રહી હોય તેવી આશંકા છે.
ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ નજીકના વેપારીઓના CCTV કેમેરામાં કેદ થયો છે. પોલીસે આ આધારે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની શોધખોળ માટે ટીમો સક્રિય કરવામાં આવી છે. આ ઘટનાએ શહેરમાં લોકોને સોશિયલ સુરક્ષા અને શેરીમાં વધતી હિંસા અંગે ચિંતામાં મૂક્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે