પાટણ, 12 જૂન (હિ.સ.) : સિદ્ધપુર શહેરના હાઇવે પર નર્સિંગ કોલેજ નજીક ગીરનારી હોટલ પાસે ઘનશ્યામ ટ્રાવેલ્સની બસના ચાલકે વેપારી સાથે મારપીટ કરી લૂંટ ચલાવવાની ચોંકાવનારી ઘટના બની છે. 43 વર્ષીય વેપારી વિશાલભાઈ શેઠ પોતાની ગ્રાંડ વિટારા કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બસો અડચણરૂપ બની હતી. તેમણે બસ ચાલકને સાઈડમાં લેવા કહ્યું ત્યારે ચાલક ઉશ્કેરાયો હતો અને કહ્યું કે “આ રોડ તારા બાપનો નથી.”
ઉશ્કેરાયેલા બસ ચાલકે કેબિનમાંથી લોખંડની પાઈપ કાઢી વેપારીના માથામાં માર માર્યો અને ત્યારબાદ બસ લઈને ઉંઝા તરફ ભાગી ગયો. દુખી વેપારીએ પોતાની કાર લઈ બસનો પીછો કર્યો અને ગીરનારી હોટલ પાસે બસને રોકી. ત્યાં ફરી બસચાલકે ઝપાઝપી કરીને વેપારીના ગળામાંથી બે તોલાની સોનાની ચેન (રૂ. 55,000 કિંમત) લૂંટી હતી.
બસ ચાલક પછીથી પાલનપુર હાઇવે તરફ ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત વેપારીને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હુમલો અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર