ગાંધીનગર, 12 જૂન (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય- વિભાજન- મધ્યસત્ર- પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયા બાદ અમદાવાદ જિલ્લાના તાલુકાના ગામોમાં ઉમેદવારોએ સરપંચ અને સભ્યપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
અમદાવાદ જિલ્લાના 10 તાલુકાઓની 64 ગ્રામ પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર સામાન્ય ચૂંટણી જ્યારે 177 ગ્રામ પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર પેટા ચૂંટણી યોજાનાર છે.
અમદાવાદ જિલ્લામાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર સામાન્ય ચૂંટણીમાં 234 ઉમેદવારોએ સરપંચ માટે તથા 743 ઉમેદવારોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા હતા. જ્યારે ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર પેટા ચૂંટણીમાં 51 ઉમેદવારોએ સરપંચ માટે અને 64 ઉમેદવારોએ સભ્યપદ માટે ફોર્મ ભર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની કુલ 26 ગ્રામ પંચાયતમાં, ધોળકા તાલુકાની 28 ગ્રામ પંચાયતમાં, ધંધુકાની 22 ગ્રામ પંચાયતમાં, વિરમગામ તાલુકાની 33 ગ્રામ પંચાયતમાં, સાણંદની 31 ગ્રામ પંચાયતમાં, દેત્રોજ તાલુકાની 28 ગ્રામ પંચાયતમાં, માંડલ તાલુકાની 18 ગ્રામ પંચાયતમાં, ધોલેરા તાલુકાની 26 ગ્રામ પંચાયતમાં, દસ્ક્રોઈ તાલુકાની 27 ગ્રામ પંચાયતમાં અને ઘાટલોડિયાની 2 ગ્રામ પંચાયતમાં, આમ કુલ થઈને 241 ગ્રામ પંચાયતોની સામાન્ય- વિભાજન- મધ્યસત્ર- પેટા ચૂંટણીઓ માટે તા. 22 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ