વલસાડ, 12 જૂન (હિ.સ.)- વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આગામી તા. 21 જૂનના રોજ થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ઉજવણીના આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટે નોડલ અધિકારી તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારીની નિમણૂક કરી હતી. વલસાડમાં જિલ્લા કક્ષાની ઉજવણી તિથલ સ્વામિનારાયણ મંદિરે થશે. જ્યારે તાલુકા કક્ષાએ વલસાડમાં સાંઈબાબા મંદિર હોલ (ગ્રાઉન્ડ ફ્લોર), પારડીમાં સાંઈ દર્શન હોલ, દમણીઝાપા, પરિયા રોડ, ધરમપુરમાં આદર્શ નિવાસી શાળા, કપરાડામાં આનંદ નિકેતન એકલવ્ય રેસીડેન્શીયલ સ્કૂલ, ઉમરગામમાં એમ.એમ. હાઈસ્કૂલ અને વાપીમાં પ્રાથમિક શાળા, જીઆઈડીસી અંબામાતા મંદિર પાસે સંભવિત ઉજવણી થશે. નગરપાલિકા કક્ષાએ વલસાડમાં મ્યુનિસીપલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને નગરપાલિકાના પાર્કિંગ પ્લોટમાં, ધરમપુરમાં મહારાણા પ્રતાપ મેરેજ હોલ, પારડીમાં ધીરૂભાઈ સત્સંગ હોલ, વાપીમાં રોફેલ કોલેજ અને ઉમરગામમાં બારીયા સમાજ હોલમાં પાલિકા કક્ષાની સંભવિત ઉજવણી થશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે