સુરત, 13 જૂન (હિ.સ.)- લાલ દરવાજા ડોકટર હાઉસની બાજુમાં આયુશ ડોકટર હાઉસમાં આવેલ સખીયા સ્કીન ક્લીનીક લીમીટેડની ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતી મહિલાએ નોકરી દરમિયાન ક્લીનીકમાંથી રૂપિયા 80.46 લાખની ઉચાપત કરી કંપનીને ચુનો ચોપડ્યો હતો.
યોગીચોક શિવદર્શન સોસાયટી વિભાગ-૨માં રહેતા જીગ્નેશ મગનભાઈ કાનાણી (ઉ.વ.39) લાલ દરવાજા આયુશ ડોકટર હાઉસમાં આવેલ સખીયા સ્કીન ક્લીનીક લીમીટેડ ઓફિસમાં છેલ્લા પંદર વર્ષમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. આ કંપની સ્કીનને લાગતી બીમારીઓની સારવાર અને નિદાન કરવાનું કામકાજ કરે છે. અને કંપનીની અલગ અલગ શહેરોમાં ૩૫ બ્રાન્ચ આવેલી છે. દરમિયન જુલાઈ 2018માં પ્રાચીબેન ગેઈન સોલંકી (રહે,ડાહી ફળીયુ, રૂદરપુરા) હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીમાં જાડાય હતી. પ્રાંચીએ શરુઆતમાં નિષ્ઠાપુર્વક કામ કરી ડિરેકટરોનો વિશ્વાસ હાસલ કરતા કંપનીએ તેને સપ્ટેમ્બર 2023ના રોજ હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝીક્યુટીવ તરીકે હોદ્દો આપ્યો હતો. પ્રાચીએ ઈન્ફીનીટી ટાવરમાં આવેલ બ્રાન્ચ અને સર્જરી શાખામાંથી આવતી રોકડની ગણતરી કરી બેન્કમાં જમા કરાવવાની તેમજ બેન્કનો હિસાબ, પાર્ટીના ચેક બનાવવા, ડી.ટી.એસની એન્ટ્રીઓ, દેવાદર લેણદારના હિસાબો રાખવાની કામગીરી સંભાળતા હતા. પ્રાચી સોલંકીએ નોકરી દરમિયાન 16એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 સુધીમાં ઈન્ફીનીટી ટાવરમાં આવેલ ક્લીનીક બ્રાન્ચના 4806581, સર્જરી શાખાના 2687604 અને ભટાર શાખાના 1402594 મળી કુલ રૂપીયા ૮૮,૯૬,૭૭૯ ઈન્ફીનીટી ટાવરના ક્લીનીકમાં જમા કરાવ્યા ન હતા. જોકે કંપનીના એપ્રિલ 2025ના ઓડિટમાં પ્રાચી સોલંકીનું ભોપાળુ બહાર આવ્યુ હતું. કંપની દ્વારા પ્રાચી સોલંકીને પુછતા તેઓએ ઉચાપત કરી હોવાની કબુલાત કરી રૂપિયા 8,50,000 કંપનીમાં જમા કરાવ્યા હતા. જયારે બાકીના રૂપિયા 8046779 જમા નહી કરાવી ઉચાપત કરી હતી. બનાવ અંગે જીગ્નેશ કાનાણીએ ગતરોજ ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે પ્રાચીબેન સોલંકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે