પાટણ, 13 જૂન (હિ.સ.) : ચાણસ્મામાં સાઈબાબા મંદિરની બાજુમાં આવેલા ધુણાવાળા મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોરી થયેલી પાદુકા માર્બલમાં જડેલી હતી અને તેનું વજન અંદાજે 1.5 કિલોગ્રામ હતું. પાદુકાની અંદાજિત કિંમત રૂપિયા 75,000 છે.
આ અંગે મંદિરના પૂજારી રમેશભાઈ પ્રહલાદજી ભલુરામે (ઉંમર 65) ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ જણાવ્યા મુજબ, 7 જૂન, 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશી પાદુકા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતા તરત જ તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મંદિર અને આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે. ચોરને પકડવા માટે જુદી-જુદી ટીમો રચાઈ છે. ધાર્મિક સ્થળે થયેલી ચોરીને લઈને સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર