સુરત, 13 જૂન (હિ.સ.)- ગોડાદરામાં સુડા સહકાર આવાસમાં ખુલ્લી જગ્યામાં બિનદાસ્ત ધમધમતા સંજય ગવાણેના દારૂના અડ્ડા ઉપર એસએમસીએ રેડ પાડી 15 જણાની ધરપકડ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલએ અડ્ડા પરથી રોકડ રકમ, દારૂ, ખુરશી ટેબલ, ફ્રીજ તેમજ વાહનો મળી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને અડ્ડો ચલાવનાર સંજય ગવાણે, મેનેજર,તેમજ દારૂનો જથ્થો લાવનાર સહિત 14 જણાને વોન્ટેડ બતાવ્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઍસઍમસીની ટીમે બાતમીના આધારે બુધવારે મોડી સાંજે છ વાગ્યે ગોડાદરા,મિડાસ સ્કેવરની પાછળ સુડા સહકાર આવાસમાં ખુલ્લી જગ્યામાં બુટલેગર સંજય ઉર્ફે સંજુ દાઢી ભીમરાવ ગવાણેના ધમધમતા દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી. રેડને પગલે અડ્ડા ઉપર નાસભાગ મચી ગઈ હતી.
ઍસઍમસીઍ અડ્ડા પરથી દારૂ પીવા માટે આવેલા 15 જણાને ઝડપી પાડ્યા છે અને સ્થળ પરથી રોકડા 27050, ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-2188, મોબાઈલ નંગ-16 , વાહન નંગ-9 તેમજ ફ્રીજ, ટેબલ, ખુરશી મળી કુલ રૂપિયા 10,02,761નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ બુટલેગર સંજય દાઢી, મેનેજર ગણેશ, દારૂનો જથ્થો લાવનાર આકાશ, સંજય ઘનશ્યામ ઠાકોર, શંકર ઍસકે, ચકનાની લારી ચલાવનાર કરણ, સુનીલ સહિત 14 જેટલા લોકોને વોન્ટેડ બતાવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે