સુરત, 13 જૂન (હિ.સ.)-સુરત શહેરના ભટારથી નવજીવન માર્ગ પર આજે અચાનક શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર અને તેના પાછળ આવતા ચાર વાહનો એક પછી એક અથડાતા પલવારમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાના પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ પોલીસે સ્થળ પર ધસી જઈ વાહનો હટાવવાનું કામ શરૂ કર્યું હતું અને ટ્રાફિક જાળવી રાખવા પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે.
હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. નિકટના સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયત્નો ચાલુ છે. સ્થાનિક વાહનચાલકો માટે અકસ્માત એક અવરોધરૂપ બન્યું હતું, જો કે સમયસર પગલાં લઈને પરિસ્થિતિને સામાન્ય બનાવી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે