પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 7માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ ન થતાં મોટા ખાડાઓ ઊભા થયા છે. પરિણામે વાહન ચાલકોને ગંભીર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજેતરમાં પડેલા વરસાદને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ વણસાઈ છે. વાહનો ફસાવાના અને નાના-મોટા અકસ્માતોના બનાવો રોજિંદા બનતા થઈ ગયા છે. આવી સ્થિતિ માત્ર વોર્ડ નં. 7 સુધી સીમિત નથી, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકા સામે માંગણી ઉઠાવી છે કે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં તાત્કાલિક માટી પુરાણ કરવામાં આવે. તેમણે શહેરીજનોની સલામતીને ધ્યાને લઈને અકસ્માતો અટકાવવા તાકીદે પગલાં લેવા આમંત્રણ આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર