પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગે જાહેરાત કરી છે. 22મી જૂને મતદાન યોજાશે, જેમાં 224 સરપંચ અને 563 સભ્યોની બેઠકો માટે મતદાન થશે. કુલ 606 મતદાન મથકો પર 5,11,943 મતદારો પોતાનું મતાધિકાર વહન કરશે. ચૂંટણી માટે 648 મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે.
આ ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ 1,308 ફોર્મ ભરાયા હતા જેમાંથી 1,296 ફોર્મ માન્ય ઠર્યા છે. સભ્ય પદ માટે 3,650 ફોર્મમાંથી 3,579 માન્ય જાહેર થયા છે. 94 સરપંચ અને 1,960 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. હાલમાં 625 ઉમેદવારો સરપંચ અને 1,225 ઉમેદવારો સભ્ય પદ માટે મેદાનમાં છે.
જિલ્લાની 380 પંચાયતોમાંથી 70 સંપૂર્ણ સમરસ રહી છે, જ્યારે 78 પંચાયતો આંશિક બિનહરીફ રહી છે. મતદાન પ્રક્રિયામાં 3,394 પોલિંગ સ્ટાફ અને 1,198 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. 299 સંવેદનશીલ મથકો માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી 25 જૂને તાલુકાવાર નવ સ્થળોએ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર