
પાટણ, 19 જૂન (હિ.સ.)પાટણ જિલ્લાના રણુંજ ગામમાં આયોજિત સમૂહલગ્ન કાર્યક્રમમાં મોટાપાયે છેતરપિંડી સામે આવી છે. આ કાર્યક્રમ રણુંજ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા યોજાયો હતો, જેમાં આયોજક ઠાકોર સેંધાજી કડવાજી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ 5 મે 2025ના રોજ યોજાયેલા સમૂહલગ્નમાં 92 યુગલના લગ્ન માટે કુલ ₹14.72 લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા. આમાંથી 53 નવદંપતીઓને કરિયાવર આપવામાં આવ્યું નથી. ઉપરાંત મંડપ, ડીજે, વાસણ ધોવાનું કામ અને બ્રાહ્મણોની મહેનતાણાં પણ ચૂકવવામાં આવ્યા નથી.
આ મામલે અમુઢ ગામના 47 વર્ષીય નાગજીજી કાનાજી ઠાકોરે, રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ મૂક્યો છે કે, આયોજકે સમાજના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર