
પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણ શહેરના રાજમહેલ રોડ પર નિર્માણાધીન ટી-આકારના ઓવરબ્રિજની મુખ્ય કામગીરી હવે પૂર્ણતાના ટપકા પર છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં બ્રિજ પર રોડનું નિર્માણ પૂરું થઈ ગયું છે અને હાલ રંગરોગાન સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે. હવે લોકો માટે પ્રાયોગિક ધોરણે બ્રિજ ખુલ્લો મુકાઈ ગયો છે અને વાહનો તેની ઉપરથી પસાર થવા લાગ્યા છે. નાગરિકો આનંદપૂર્વક બ્રિજ રાઈડિંગનો અનુભવ કરી રહ્યા છે.
બ્રિજની વિશેષતા એ છે કે, તેની લાઇટિંગ વ્યવસ્થા ખૂબ આકર્ષક બનાવવામાં આવી છે. બ્રિજના ત્રણેય છેડાથી મધ્ય ભાગ સુધી બંને બાજુ 100થી વધુ LED સ્ટ્રીટલાઇટના પોલ લગાવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ લાઈટ્સ કાર્યરત થશે, જેના કારણે રાત્રિના સમયે બ્રિજની રોશની સાથે સુંદરતા વધુ નિખરશે.
આ બ્રિજનું લોકાર્પણ આગામી જૂન અથવા જુલાઈમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થવાનું નિર્ધારિત છે. જેથી ચોમાસા પહેલા નાગરિકોને સગવડ મળે તે હેતુસર બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પાટણના રહેવાસીઓ લાંબા સમયથી બ્રિજના સત્તાવાર ઉદ્ઘાટનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર