

ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, સેક્ટર-17 ખાતે , મેયર મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં શહેરના વિકાસ અને નાગરિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને કુલ આઠ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા બાદ મંજૂરી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના દુઃખદ બનાવને લઈ, સભ્યોએ મૌન પાળીને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ સભામાં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં ગત સભાના પ્રોસીડીંગ્સને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર-૩૦ ખાતે લેબર કોલોનીમાં રૂમનાં ભાડાંનાં દર અંગે પણ મંજૂરી અપાઈ. એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, મુક્તિધામ શાખા હસ્તક સેક્ટર-૩૦ ખાતેના મુક્તિધામમાં સી.એન.જી. મારફત અગ્નિસંસ્કાર કરવાના ચાર્જ તેમજ દફનવિધિ કરવાના લેવાતાં ચાર્જમાં ઘટાડો કરી, લાકડા મારફત અગ્નિસંસ્કાર માટે લેવાતાં ₹1/- મુજબ ચાર્જ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી.
શૈક્ષણિક ક્ષેત્રે, ગાંધીનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. વિભાગ હેઠળની લાઇબ્રેરી શાખા હસ્તકની લાઇબ્રેરીઓનું સુચારું વ્યવસ્થાપન કરવા અંગે, લાઇબ્રેરીઓના નીતિવિષયક બાબતોને અમલમાં મૂકવા તેમજ કુડાસણ લાઇબ્રેરી માટે પુસ્તકો ખરીદ કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વાવોલ કોમ્યુનિટી હોલનું ભાડું/ડિપોઝિટ અને નિયમો નક્કી કરવા અંગે મંજૂરી આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ