પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણમાં એક યુવતી સાથે બળાત્કારનો ગંભીર કેસ સામે આવ્યો છે. ઘટના 15 જૂન 2025ના રોજ બપોરે 2થી 3 વાગ્યા વચ્ચે પાટણ તાલુકા પંચાયતની પાછળના વિસ્તારમાં બની હતી. પીડિતાએ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી ગોવિંદ ચૌધરી વારંવાર તેનો પીછો કરતો હતો અને તેનો ઉદ્દેશભર્યો રીતે અભદ્ર વર્તન કરતો હતો. આ ઘટના દરમિયાન આરોપીએ યુવતી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને તેને જાતિ આધારિત અપમાનજનક શબ્દો કહ્યા હતા. આરોપીએ પીડિતાના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 64(1), 75(2), 78(2), 79 અને 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ, એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ 3(1)(r), 3(1)(s), 3(1)(w)(i), 3(1)(w)(ii) અને 3(2)(5) મુજબ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર