પાટણ, 20 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કલા મહાકુંભ-2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભનો મુખ્ય હેતુ રાજ્યના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો છે. સ્પર્ધામાં ચાર વય જૂથ – 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના કલાકારો ભાગ લઈ શકશે. સ્પર્ધકો સાહિત્ય, નૃત્ય, ગાયન-વાદન, કલા અને અભિનય જેવા વિભાગોમાં પોતાની કળાનું પ્રદર્શન કરી શકશે.
આ સ્પર્ધાનું આયોજન કુલ ચાર સ્તરે થશે: તાલુકા, જિલ્લો, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ. તાલુકા કક્ષાએ 14 કૃતિઓ, જિલ્લા કક્ષાએ કુલ 23 (જેમાં 14 તાલુકા કક્ષાની અને 9 સીધી જિલ્લાકક્ષાની), પ્રદેશ અને રાજ્ય કક્ષાએ 7-7 કૃતિઓ યોજાશે. એટલે કુલ 37 પ્રકારની કૃતિઓની સ્પર્ધા રહેશે.
વિનામૂલ્યે ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, જિલ્લા સેવા સદન, પાટણથી મેળવી 20 જુલાઈ 2025ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવવાનું રહેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારીએ વધુમાં વધુ લોકો ભાગ લે તેવી અપીલ કરી છે. વધુ માહિતી માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર