પાટણ, 21 જૂન (હિ.સ.)અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખાસ કરીને ખાનગી યુનિવર્સિટીઓને GCAS (Gujarati Common Admission System) પોર્ટલ હેઠળ લાવવાની માંગ કરવામાં આવી છે. ABVPનું માનવું છે કે હાલ ખાનગી સંસ્થાઓ કોઈ નિયમન વિના મનમાની રીતે પ્રવેશ આપે છે, જ્યારે GCAS પોર્ટલમાં પ્રવેશની પ્રક્રિયા ધીમી હોવાથી સરકારી કોલેજોમાં માન્યતાઓથી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહ્યો છે.
ABVPએ આવેદનમાં ત્રણ મુખ્ય માંગણીઓ રજુ કરી છે: (1) આગામી શૈક્ષણિક વર્ષથી તમામ ખાનગી યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ હેઠળ લાવવામાં આવે, (2) વર્તમાન પ્રવેશ પ્રક્રિયામાં 'મોક રાઉન્ડ'નો સમાવેશ કરવામાં આવે અને (3) વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી માટે અંતિમ વિકલ્પ આપવામાં આવે.
વિશેષરૂપે, ABVPએ આ બાબત પણ ઉઠાવી છે કે કેટલીક યુનિવર્સિટીઓના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ સુધી જાહેર થયા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવામાં અડચણો આવી રહી છે. પરિષદે આ પરિણામો તાત્કાલિક જાહેર કરવાની પણ માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર