મોડાસા, 21 જૂન (હિ.સ.) હવે ચોમાસાનું આગમ થઈ ચૂક્યું છે અને ધીરે ધીરે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં પણ વરસાદ વરસતા ખેડુતોમાં ક્યાંક ખુશી જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસેલા વરસાદ થી ક્યાંક વરસાદી પાણી ભરાયા ની ઘટના સામે આવી
આજે બપોરના સમયે અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર તેમજ મેઘરજ શહેરમાં મેઘાના મંડાણ જોવા મળ્યા હતા અને શરૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસતા પાણી ઠેર ઠેર ભરાયા હતા મેઘરજ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ થી પણ વધુ વરસાદ ખાબક્યો હતો જેના કારણે મેઘરજ શહેરમાં આંબાવાડી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીઓ ને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાયા હતા અને તંત્ર ની પ્રીમોન્સુન કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.મેઘરજના બેડઝ, રામગઢી, બંઠીવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો
બીજી તરફ મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.મોડાસા વિસ્તારના માર્કેટયાર્ડ માં પાણી ભરાતા માર્કેટયાર્ડ માં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુખ્ય માર્ગ ચાર રસ્તા પર પણ ઢીંચણ સમા પાણી ભરાતા વાહનચાલકો ને મુશ્કેલી વેઠવી પડી હતી તો દ્વારકાપુરી વિસ્તારમાં પણ સોસાયટી આગળ વરસાદી પાણી ભરાયાં છે. મોડાસા બાયપાસ સ્ટેટ હાઈવે ગોધરા માલપુર રોડ પર એઇમ્સ હોસ્પિટલ આગળ પાણી ભરાયા વાહન ચાલકો પરેશાન બન્યા છે વરસી રહેલા વરસાદ ને કારણે ઠેર ઠેર ભરાયેલા પાણી ને લઈ નગરપાલીકા ની કામગીરી ની પ્રી મોન્સુન કામગીરી ની પોલ ખુલ્લી કરી છે. હાલ ચોમાસાની શરૂઆત જ થઈ છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા આગામી દિવસોમાં વધુ વરસાદ થી પરિસ્થિતિ વિકટ બને તો નવાઈ નહીં
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ