પોરબંદર, 21 જૂન (હિ.સ.) : યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આજે 21 મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ભવ્ય યોગ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના ચોપાટી વિસ્તારમાં હજૂર પેલેસ પાછળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઉજવણીમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “યોગ એ માત્ર વ્યાયામ નહીં, પણ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સમતોલ જીવન જીવવાની રીત છે. આપણી સંસ્કૃતિએ સદીઓથી જેને જીવંત રાખી છે, એ યોગને આજની પેઢી સાથે સંકળાવું એ આપણી જવાબદારી છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણું આ અનમોલ ઘરેણું (યોગ) ક્યાંક ખૂણે ખાચરે સચવાયેલ પડ્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન માત્ર દેશ પરંતુ યુએનમાં યોગને સ્વીકૃતિ અપાવી અને તેના પરિણામે આજે વિશ્વના દેશો આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે. તેમણે નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “દિવસના 23 કલાક ભલે અન્ય કાર્યો માટે કાઢો, પણ ઓછામાં ઓછો 1 કલાક યોગ માટે ચોક્કસ ફાળવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.”આ પ્રસંગે હાજર રહેલા હજારો લોકોએ એકસાથે યોગ આસન કરી “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સંદેશાને આત્મસાત કરીને આરોગ્યપ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને સ્વાગત પ્રવચન જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાડાવદરાએ કરી હતી.
કાર્યક્રમ દરમ્યાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળા - કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, કોસ્ટગાર્ડ જવાનો તથા પોરબંદર શહેરના યોગપ્રેમીઓએ ઉમંગપૂર્વક ભાગ લઈ યોગના મહત્ત્વને સમગ્ર સમાજમાં વિસ્તૃત કરવા પ્રયાસ કર્યો હતો.આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, પોરબંદર પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર જે બી વદર,પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા,જિલ્લા શિક્ષણ અધિકારી વી કે પરમાર અને સહિત લોકોની ઉપસ્થિતિ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya