સુરત, 21 જૂન (હિ.સ.)- શહેરના ઉધના મગદલા રોડ પર આવેલ એશિયાડ ઇન્ડસ્ટ્રીયલમાં વ્યાપાર ધંધો કરતા કાપડના વેપારીને સારોલી વિસ્તારમાં આવેલ આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા અને ઠગબાજ વેપારીઓ ભેટી ગયા હતા.
તેઓએ કાપડના વેપારી પાસેથી ત્રણ અલગ અલગ પેઢીમાં રૂપિયા 95.92 લાખનો માલ ખરીદી કરી એક પણ રૂપિયો નહીં ચૂકવી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે કાપડ દલાલ સહિત ત્રણ વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પીપલોદ વિસ્તારમાં આવેલ બાલાજી નગરની બાજુમાં કૃષ્ણ સોસાયટીમાં રહેતા દિનેશકુમાર ઠાકોરદાસ કાપડિયા ઉધના મગદલ્લા રોડ પર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાપડનું ખાતું ધરાવે છે. વર્ષ 2021 માં વિજયભાઇ ભીમજીભાઇ વસ્ત્રાપરા (સુરભી ટેક્ષટાઇલ્સના માલિક/પ્રોપરાયટર) (બી-૫૨૨, યુજી, આશિર્વાદ ટેક્ષટાઇલ્સ માર્કેટ, લેન્ડમાર્ક એમ્પારની સામે, સારોલી), રાજેશભાઇ ઉર્ફે રાજુ જયંતીભાઇ અમીપરા (સુરભી ટેક્ષટાઇલ્સના વહીવટ કર્તા) (બી-૫૨૨, યુજી, આશિર્વાદ ટેક્ષટાઇલ્સ માર્કેટ, લેન્ડમાર્ક એમ્પારની સામે, સારોલી), નારાયણલાલ કાનારામ ચૌધરી (રહે-૨૦૭, કેશવપાર્ક સોસાયટી, જ્ઞાન જ્યોત વિધ્યાલય પાસે, ગોડાદરા) તેઓના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ વિષ્ણુ ટેક્સટાઇલ ફર્મના નામે રૂપિયા 44.55 લાખ તથા શિવાની એન્ટરપ્રાઇઝ ફર્મના નામે 24.48 લાખ અને શિવ ફેબ્રિકેશન ફોર્મના નામે 26.88 લાખ રૂપિયા નો કાપડનો માલ ખરીદી કર્યો હતો. આ ત્રણેય ફર્મ મળીને કુલ રૂપિયા 95.92 લાખનો માલ ખરીદી કરી એક પણ રૂપિયા નહીં ચૂકવી હાથ ઊંચા કરી લીધો હતો. જેથી ભોગ બનનાર દિનેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે