પાટણ, 22 જૂન (હિ.સ.) : 21 જૂન 2025ના રોજ પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પાટણ કલેક્ટર કચેરી દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સરસ્વતી તાલુકાના મામલતદાર સતીશભાઈ બોડાણા, તાલુકા વિકાસ અધિકારી જ્યોત્સ્નાબેન પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મિતેશભાઈ પ્રજાપતિ, વન વિભાગના અધિકારીઓ, રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી તથા અન્ય સરકારી સ્ટાફ અને 400 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગૂજકોસ્ટ ગાંધીનગરના સલાહકાર ડો. નરોત્તમ શાહુના માર્ગદર્શન હેઠળ સવારે 6થી 8 વાગ્યા સુધી યોગ પ્રેમીઓ માટે સાયન્સ સેન્ટરમાં નિસુલ્ક પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગ નિષ્ણાત અસ્મિતાબેન ભાટી અને યામિનીબેન જોશીએ યોગનું મહત્વ સમજાવ્યું અને યોગાસનોનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું. તેમણે વિવિધ રોગોની સારવારમાં ઉપયોગી યોગાસનો વિશે સહભાગીઓને માહિતી આપી.
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ટેકનોલોજીના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગ દિવસના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ યોગ વિશે જ્ઞાન પ્રાપ્ત કરી અનુભવ મેળવી વધુ ઉત્સાહ અનુભવો કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર