પોરબંદર, 25 જૂન (હિ.સ.)પોરબંદર શહેરમાં બિરલા હોલ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાએ લોંગ લીવ ડેમોક્રેસી યાત્રા હેઠળ “સંવિધાન હત્યા દિવસ મનાવાયો હતો .
આ કાર્યક્રમ પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે બંધારણ હત્યા દિવસ નિમિત્તે જણાવ્યું કે, “લોકશાહી એ આપણું મૂળ છે અને તેની જાળવણી દરેક નાગરિકની ફરજ છે. કટોકટીનો સમય માત્ર ઈતિહાસ નહીં, પણ એક શીખ છે.”તેમણે યાદ આપ્યું કે, 1975માં તે સમયના તત્કાલીન વડાપ્રધાને ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ પોતાની સત્તા બચાવવાના હેતુથી દેશ પર કટોકટી થોપી હતી. “આ સમય દરમિયાન નાગરિક અધિકારો કાપી લેવામાં આવ્યા હતા, મીડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી હતી, અને રાષ્ટ્રપ્રેમીઓને જેલમાં નાખવામાં આવ્યા હતા,”મંત્રીએ યુવાનોને સંદેશ આપ્યો હતો કે, તેઓ લોકશાહીના આ કાળા અધ્યાયને ભુલવો જોઈએ નહીં અને આજના સમયમાં પણ બંધારણ અને લોકશાહી માટે જાગૃત રહેવું જરૂરી છે.
અંતે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના વિઝન સાથે જોડાઈને, આપણે બંધારણના મૂલ્યોનું જતન કરવું જોઈએ અને ભૂલોથી શીખ લઈ આગળ વધવું જોઈએ.
પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, આજરોજ કટોકટીના કાળા અધ્યાયને 50 વર્ષ પૂર્ણ થયા છે. 1975ની કટોકટી એ લોકશાહી પર કલંક છે. તેમણે જણાવ્યું કે, જ્યારે વિરોધ પક્ષ સરકાર રચવાની તૈયારીમાં હતી ત્યારે માત્ર પોતાની સત્તા બચાવવા માટે તે સમયની તત્કાલીન સરકાર દ્વારા કટોકટી જાહેર કરવામાં આવી હતી. પ્રેસના અવાજને દબાવવામાં આવ્યો અને અસહમતિ પ્રગટાવતા લોકોને જેલમાં નાખવામાં આવતા હતા જાગૃત નાગરિકો અને સંસ્થાઓના સંઘર્ષ બાદ લોકશાહીની પુનઃસ્થાપના થઈ. જનસંઘ જેવા દળોએ નવી સરકાર રચી અને ભવિષ્યમાં કટોકટી ન લાગી શકે તેવા બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા.
પોરબંદર મનપાના કમિશનર હસમુખ પ્રજાપતિએ સૌ મહાનુભાવોનું શબ્દબદ્ધ સ્વાગત કરતાં કહ્યું હતું કે, આજે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થયા છે.તેમણે લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન અને સંરક્ષણ કરવાનું મહત્વ ઉજાગર કર્યું હતું તથા સર્વે ઉપસ્થિતોને લોકશાહી જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી હતી.રાજ્ય સરકાર દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પ્રદર્શીત કરવામાં આવ્યું હતું અને કટોકટી અંગે ફિલ્મનું પ્રસારણ પણ કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા,પોરબંદર કલેકટર એસ. ડી ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાજપ અશોકભાઈ મોઢા સહિતના અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya