મોડાસા, 25 જૂન (હિ.સ.) આર્ટ્સ કોલેજ, શામળાજી, અરવલ્લી જિલ્લા SOG ના સહયોગથી એન.એસ.એસ. યુનિટ દ્વારા નશામુક્ત ભારત અભિયાન અને પોક્સો એક્ટ વિષયક જાગૃતિ અંગે વિશેષ દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગના પી.આઈ. ડી.કે. વાઘેલાએ ડ્રગ્સ અવેરનેસ વિશે ઉદ્દબોધન આપતા વિદ્યાર્થીઓને નશાની અસરો તથા તેની વિરુદ્ધ જાગૃત થવા માટે પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા સંયમ કાઉન્સિલના પ્રતિનિધિ અલ્પેશભાઈએ પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences) વિશે કાયદાકીય માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને તેમના અધિકારો અંગે જાગૃત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મનીષાબેન ગઢવી દ્વારા “નશામુક્તિ શપથ” લેવડાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ નશો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સંકલ્પ કર્યો કે તેઓ સ્વસ્થ અને નૈતિક જીવન જીવશે.
આ પ્રસંગે ASI ધર્માભાઈ, રમીલાબેન, અને તેમની ટીમે ઉપસ્થિતિ નોંધાવી અને વિદ્યાર્થીઓ સાથે યથાયોગ્ય સંવાદ કર્યો હતો.પ્રિ. ડૉ. એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ,પૂર્વ પ્રોગ્રામ ઓફિસર ડૉ. વી.કે. ગાવિત અને ડૉ. ભરત પટેલના સહયોગથી,અને હાલના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજય પંડ્યા તથા ડૉ. જાગૃતિ પટેલના સુચારુ આયોજન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં નશામુક્તિ અને પોકસો એક્ટ અંગેના વિડીયો ક્લિપ બતાવી સમાજમાં નશામુક્તિ અને શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ