પોરબંદર, 25 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં “આપણું રાણાવાવ, સ્વચ્છ રાણાવાવ” ઝુંબેશ હેઠળ રાણાવાવ નગરપાલિકા દ્વારા શહેરની સાફ-સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ સફાઇ સંબંધિત આધુનિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય કાંધલ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો.રાણાવાવ શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ ગ્રાન્ટ યોજનાઓના માધ્યમથી રાણાવાવ નગરપાલિકા દ્વારા કુલ રૂ. 15,187,490 ની કિંમતના સાધનોની ખરીદી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, 15% વિવેકાધીન જીલ્લા આયોજન મંડળની વર્ષ 2024-25ની ગ્રાન્ટ હેઠળ રૂ. 8,79,990ના ખર્ચે “ડોર ટુ ડોર કચરા કલેક્શન” માટે ટ્રેક્ટર વિથ ટ્રોલીની ખરીદી કરવામાં આવી છે, જે શહેરમાં ગંદકી વ્યવસ્થાપનમાં કાર્યક્ષમતા લાવશે.આ ઉપરાંત, સ્વચ્છ ભારત મિશન-1.0 અંતર્ગત રૂ. 40,47,400ના ખર્ચે બેક હો લોડર (JCB) ખરીદવામાં આવ્યું છે, જે ભારે કચરો અને ખોદકામ માટે ઉપયોગી સાબિત થશે.
સફાઈ કામગીરીને વધુ આધુનિક બનાવવાના હેતુથી આ જ મિશન હેઠળ રૂ. 26,84,500ના ખર્ચે સકશન કમ જેટીંગ મશીન વેહિકલ અને રૂ. 75,75,600ના ખર્ચે હોપર ટીપર ડમ્પર (6 નંગ) વાહનની ખરીદી કરવામાં આવી છે.આ પ્રોજેક્ટો દ્વારા રાણાવાવ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આરોગ્યદાયક વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભૂતિયા, ઉપપ્રમુખ રમાબેન પીપરોતર, ચીફ ઓફિસર દેવીબેન ચાવડા, કારોબારી સમિતિના ચેરમેન યાસ્મીનબેન પોપટિયા, નગરપાલિકાના અન્ય ચેરમેન, સભ્યો તેમજ શહેરના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya