વડોદરા, 25 જૂન (હિ.સ.)-વડોદરામાં નકલી દારૂ બનાવવાનું જાળું ચલાવતી બે મીની ફેક્ટરી શહેર પીસીબી પોલીસ દ્વારા ઝડપાઈ ગઈ છે. આ કાર્યવાહી દરમિયાન એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અજબડી મિલ અને લાલ અખાડા પાસેના બે ગોડાઉનમાં નકલી દારૂ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી. અહીં જાણીતી વિદેશી બ્રાન્ડ્સની ખાલી બોટલો લાવી, તેને સાફ કરી સ્ટીકરો અને બુચ લગાડીને તેને અસલી દેખાતી બનાવવામાં આવતી હતી. બાદમાં આ નકલી બોટલો બુટલેગરોને વેચવામાં આવતી.
પોલીસે બંને ગોડાઉનમાં દરોડા પાડી વિવિધ બ્રાન્ડની ખાલી બોટલો, સ્ટીકરો, બુચ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કેસમાં રુપલ સોસાયટીના મનીષ ભગવાનદાસ મેઘવાણી, હેમાબેન મેઘવાણી અને ગધેડા માર્કેટ વિસ્તારમાં રહેતા ભોલા સંજય રાવલની ધરપકડ કરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ નકલી દારૂના જાળાનો કયાં સુધી વિસ્તાર છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે