





પોરબંદર, 26 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આજથી ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ અને રાજ્યકક્ષાએથી આવેલા અધિકારીઓ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા ત્રણ દિવસ સુધી વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે.પોરબંદરના કલેક્ટર એસ.ડી.ધાનાણીએ આજે પોરબંદર નજીક દેગામ અને સીમાણી ગામની મુલાકાત લઈ દેગામ સીમશાળા, દેગામ પ્રાથમિક શાળા , સીમાણી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળામાં બાળકોને આવકારી પ્રવેશ અપાવ્યો હતો.
દેગામ સીમ શાળામાં ત્રણ બાળકોને બાલવાટિકા, 9 બાળકોને ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સીમાણી પ્રાથમિક શાળામાં 6 બાળકોને બાલવાટિકા અને 6 બાળકોને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.સરકારી હાઈસ્કૂલમાં 27 બાળકોને ધો.9 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો
કલેકટર એસ.ડી .ધાનાણીએ વાલીઓને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તે માટે તમામ સુવિધા અને માળખાગત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.શિક્ષકો તેનું કર્તવ્ય નિભાવે અને વાલીઓ પણ બાળકના શિક્ષણ પણ દેખરેખ રાખે. વાલીઓ સરકારી શાળાની નિયમિતપણે મુલાકાત લે અને તેમના બાળકને મળી રહેલા શિક્ષણ અંગે અવગત રહે,વાલીઓ શિક્ષકો સાથે પણ સંવાદ કરે અને બાળકને કોઈ વિષયમાં વધારે મહેનતની જરૂર હોય તો તે પણ જણાવે. પ્રાથમિક શાળા શિક્ષણનો પાયો છે અને બાળકની ભવિષ્યની કારકિર્દી માટે પાયાનું શિક્ષણ ખૂબ મહત્વનું છે. ગ્રામજનો ગામના કામો પર પણ દેખરેખ રાખે. તંત્ર અને ગ્રામજનો સામૂહિક પ્રયાસો કરે તો સારું પરિણામ મળશે તેમ જણાવી બાળકો ને જે તે વિષય આધારિત પ્રશ્નો પૂછી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ એસએમસી મીટીંગ પણ કરી હતી તેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. સીમાણી ખાતે ની આ મિટિંગમાં વાલીઓએ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા વચ્ચે રસ્તો હોય એક વધારાના ટોયલેટ બ્લોકની જરૂરિયાત હોવાનું જણાવતા કલેક્ટરએ આ કામગીરીને મંજૂરી આપી આ અંગેની કામગીરી થશે તેમ જણાવ્યું હતું. ગ્રામજનોને બાળકોના નામ દાખલ કરવામાં દરેક ડોક્યુમેન્ટમાં વાલીઓના સરખા નામ રહે, સામૂહિક ખેતી કાર્ય કરવા, સંપ અને સંઘ ભાવનાથી ગામની પ્રગતિ કરવા, આપત્કાલીન વ્યવસ્થામાં લોકોના જીવ બચાવવા, ગામમાંથી આગળ વધેલા લોકોનો સહકાર લઈ ઉત્કર્ષની પ્રવૃત્તિ કરવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા, બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર આપવા જણાવ્યું હતું.પ્રાથમિક શાળાના આચાર્ય ઉર્વશી બેન ધામી, હાઈસ્કૂલના આચાર્ય અશ્વિન ભાઈ મહેતા એ શાળાઓની સિદ્ધિ અને શિક્ષણકાર્ય ,બાળકોની સંખ્યા અંગેની માહિતી આપી હતી. શિક્ષણ ,સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સીમાણીના ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈએ ગ્રામજનોને સરકારની આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે કરવામાં આવેલા સફળ પ્રયત્નો અને મળેલા લાભો અંગેની માહિતી આપી હતી. ગ્રામજનોને તમામ યોજનાનો લાભ મળે તે માટે ગ્રામ પંચાયતની કામગીરી આવકારવામાં આવી હતી. દેગામમાં આચાર્ય જ્યોતિબેને શાળાની પ્રગતિ અને શિક્ષણ વ્યવસ્થા અંગે કલેકટરને માહિતી આપી હતી. દેગામમાં પણ એસએમસીના સભ્યો મિટિંગમાં હાજર રહ્યા હતા અને કલેક્ટરએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.સીમાણી ખાતે જિલ્લા પંચાયતના સભ્ય ભુરાભાઈ કેશવાલા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિરમભાઈ ચુંડાવદરા, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા,બીઆરપી ચિરાગ જોશી, આંગણવાડી બહેનો, વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ –2025 અંતર્ગત બાળવાટિકામાં 3,992, ધોરણ 1માં 4,245, ધોરણ- 9માં 3,485, ધોરણ -11માં 2,155 અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ સાંદિપની ખાતે ધોરણ-6 માં 235 નવા વિદ્યાર્થીઓના નામાંકન કરવામાં આવશે આમ આશરે કુલ 14,112 વિદ્યાર્થીઓનું નામાંકન ત્રણ દિવસમાં કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya