પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં એક 30 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધના બહાને બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય ચૌધરી સામે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવતીના જણાવ્યા મુજબ, આરોપી સાથે સંબંધમાં રહેતી વખતે તેણે યુવતીના ખાનગી ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં આ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી પાસેથી એક દોઢ તોલાનો સોનાનો દોરો (કીમત અંદાજે રૂ. 80,000) અને રૂ. 2 લાખની રોકડ રકમ પડાવી હતી. ત્યારબાદ આરોપી સંજયએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આરોપીએ યુવતીના ફોટા પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ naju_sanju_3333 પરથી વાયરલ કર્યા હતા. આખરે યુવતીએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે IPC 2023ની કલમ 64(2)(એમ), 308(2), 351(3) અને આઈ.ટી. એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર