
પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં શહેરની 727 મિલકતોનો કુલ રૂ. 1.22 કરોડનો પાણી વેરો રદ કરવાનો મહત્વપૂર્ણ અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે જણાવ્યુ કે ખોટી એન્ટ્રીઓના કારણે નગરપાલિકાની વેરા વસૂલાતની ટકાવારી ઓછી આવી રહી હતી, જેના પરિણામે મળવાપાત્ર ગ્રાન્ટમાં ઘટાડો થતો હતો.
નગરપાલિકાની વેરા શાખાએ કરેલી તપાસમાં સામે આવ્યું કે કેટલીક મિલકતોમાં સ્થળ પર પાણીના જોડાણો હાજર જ નહોતાં અને કેટલાક કેસમાં એક જ જોડાણ હોવા છતાં રેકોર્ડમાં બે જોડાણો દર્શાવવામાં આવ્યા હતા. આવી બેવડી એન્ટ્રીઓને કારણે વસૂલાત અસરગ્રસ્ત થઈ રહી હતી.
ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અને ચીફ ઓફિસરના અભિપ્રાય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 4 જુલાઈ 2020ની સામાન્ય સભામાં વોટર વર્ક્સના ચેરમેન, કારોબારી ચેરમેન અને પ્રમુખને માંગણું રદ કરવાની સત્તા આપવામાં આવી હતી. આ પગલાથી નગરપાલિકાની વસૂલાત વ્યવસ્થા વધુ પારદર્શક બનશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર