ગીર સોમનાથ 28 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવ અને તેના કન્યા કેળવણી મહોત્સવના આજે બીજા દિવસે વેરાવળની પે સેન્ટર શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ વખતે ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશ ભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવવા સાથે ચોકલેટ આપી હેત વરસાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અનુજ સાંભળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક હતો, પરંતુ થોડા સમય પહેલા તેનું સરકારી ખર્ચે કોક્લીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલું છે. આ ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે બોલી પણ શકે છે. આ ઓપરેશન માટેનો ખર્ચો રૂ.૭ લાખ થી પણ વધુ થતો હોય છે.
કાર્યક્રમ સ્થળે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રીએ ખાસ રીતે તેને સ્ટેજ પર બોલાવ્યો હતો અને તેને ચોકલેટ આપીને વ્હાલનો વરસાદ કર્યો હતો.
મંત્રીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં રહેલી કરુણા સંવેદનાની વાત કરી હતી. તેને વાસ્તવિક ધરા પર ચરિતાર્થ કરી બતાવી હતી.
આ રીતે, વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાંથી નહીં, પરંતુ હૃદયમાંથી વરસ્યો હતો.
મંત્રીએ આ વાતને ફક્ત પ્રવચન પૂરતી સીમિત ન રાખતાં વાસ્તવિકમાં શુભમને બોલાવીને તેમની સહૃદયતા અને ઋજુતાનો પરિચય કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ