

પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી ત્રિભુવન પાર્ક ખાતે કરવામાં આવી હતી. સવારથી જ મહાપૂજા, અન્નકૂટ અર્પણ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નૂતન સ્વામિનારાયણ સ્થલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વિશેષ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું.
આ સત્સંગ સભામાં પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામી અને મહેસાણા મંદિરના કોઠારી પૂજ્ય કરુણામૂર્તિ સ્વામીએ સત્સંગના મહત્ત્વની વાતો આપી હતી. કરુણામૂર્તિ સ્વામીએ સમજાવ્યું કે, નિયમિત પૂજા અને સત્સંગથી ભગવાન સાથે જોડાણ મજબૂત બને છે. સદગ્રંથોનું નિયમિત વાચન કરવું અને સૂર્યોદય પહેલા ઉઠવાનું જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે.
પ્રસંગના અંતે ભગવાન સ્વામિનારાયણની મહા આરતી તથા પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ બીએપીએસના સ્વામી તથા હરિભક્તોએ સમગ્ર કાર્યક્રમને ભવ્ય બનાવતા ઉત્સાહપૂર્વક સેવા આપી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર