


ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ' એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ 2023 અને 2024ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ 61 તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, SPIPA ની ઉજ્જવળ યાત્રા એક અભૂતપૂર્વ પડાવે પહોંચી છે. એક પછી એક આગવી સિદ્ધિ હાંસલ કરીને SPIPA એ ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસ પસંદ કરવાની ઉમદા પ્રેરણા આપી છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે ગુજરાતમાંથી અત્યાર સુધીના સૌથી વધુ 26 યુવાનો UPSC સિવિલ સર્વિસિસમાં ઉત્તીર્ણ થયા છે, જેણે સાબિત કરી દીધું છે કે, ‘ગુજરાત કેન ડુ એન્ડ ગુજરાતી કેન ડુ’. તેમણે ઉમેર્યું કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાજનેતાઓ સાથે બ્યુરોક્રેટ્સના શિરે પણ છે. પ્રશાસનના મજબૂત આધાર સ્તંભ એવા સનદી અધિકારીઓ સરકારની નીતિઓને ધરાતલ ઉપર સાકાર કરે છે.
સરકારના નિર્ણયોને અસરકારક રીતે અમલી બનાવી, વિવિધતામાં એકતાની વિચારધારા સાથે જે પણ રાજ્યમાં સેવા કરવાનો અવસર મળે, ત્યાંની સંસ્કૃતિને સમજીને છેવાડાના માનવી સુધી પહોંચવું એ જ અધિકારીનો પરમ ધર્મ છે.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, સિવિલ સર્વિસિસની તૈયારીના ઉતાર-ચઢાવ વચ્ચે પ્રેરણાની જરૂર રહે છે અને સ્પીપા ગુજરાતના યુવાનો માટે માર્ગદર્શકની સાથે પ્રેરકની ભૂમિકા પણ ભજવી રહ્યું છે.
તેમણે સ્પીપાના ડી.જી. હરિત શુક્લાના નિર્દેશનમાં ચાલતી ઉત્કૃષ્ટ કામગીરી અને સતીશ પટેલ જેવા પાયાના અધિકારીઓના યોગદાનને બિરદાવ્યું હતું.
તેમણે સફળ યુવાનોને શીખ આપતા કહ્યું કે, તમારા સંઘર્ષનું એકમાત્ર લક્ષ્ય જનતાની સેવા હોવું જોઈએ. એક અધિકારી તરીકે તમારા પર સૌથી મોટો અધિકાર વંચિતોનો છે.
આ પ્રસંગે ACBના ડાયરેક્ટર પિયુષ પટેલે જણાવ્યું કે, ગુજરાતીઓ કારકિર્દી તરીકે સિવિલ સર્વિસિસ પસંદ નથી કરતા, તે માન્યતાને સ્પીપાએ બદલી છે. તેમણે સફળ ઉમેદવારોને બિરદાવી ગુજરાતના લાખો યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા અને સ્પીપાના કલેવર બદલવામાં સતીશ પટેલની ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સન્માનિત થયેલા ઉમેદવારોએ પણ ઉપસ્થિત યુવાનોને પ્રોત્સાહન મળે તે હેતુથી પરીક્ષાની તૈયારી અંગેના પોતાના સંઘર્ષ, અનુભવો અને સફળતાનો મંત્ર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું સફળ આયોજન ASSAના પ્રમુખ દિલીપ રાણા (IAS) અને ઉપપ્રમુખ અલ્પેશ પરમાર (IRS)ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, સિનિયર અધિકારીઓ અને ઉમેદવારોના પરિવારોએ હાજરી આપી ભાવિ પ્રશાસકોનો ઉત્સાહ વધાર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ